Skip to main content

श्री कृष्णः (दत्तः) शरणं ममः । (4)

ગાંડીવની નિંદા કરશે તેને દેહાંત દંડ

પાંડવો પરના બાહ્ય આક્રમણ અને અદ્ભૂત બચાવની સત્ય ઘટના માણી રહ્યા છીએ. મધ્યાન્તર રુપે આંતરવિગ્રહની વાત...એક વાર પરસ્પર પાંડવોમાં જ આક્રમણ થવાની તૈયારીમાં. શ્રીકૃષ્ણ ભગવાને અદ્ભુત ઉપાય બતાવ્યો.

પાંચ પાંડવમાં યુધિષ્ઠર સૌથી મોટા તેથી દરેક તેમનું સન્માન કરે. મહારથી અર્જુન ગાંડીવ ધનુષ્યના કારણે ઠેર ઠેર વિજયપતાકા લહરાવે તેથી અર્જુન ગાંડીવનું વિશેષ સન્માન કરે અને પ્રતિજ્ઞા પણ કરેલી કે - જે મારા ગાંડીવની નિંદા કરશે તેને દેહાંત દંડ એટલે મોત.

એક વાર મહાબળવાન દુશ્મનને હંફાવતાં અર્જુન થાકી ગયો. પરાજય કોને ગમે ? યુધિષ્ઠિરે અર્જુનને ઠપકો આપ્યો અને ગાંડીવ ધનુષ્યની નિંદા કરી. અર્જુન છંછેડાયો. દુશ્મનનો ખાત્મો બોલાવીશ તે પહેલા તો ગાંડીવની નિંદા કરનાર મોટાભાઈને મોતના ઘાટ ઉતારીશ. પ્રચંડ યુધ્ધની તૈયારી. શ્રીકૃષ્ણ આ બધો ખેલ જોઈ રહ્યા છે. અર્જુન મક્કમ જ રહ્યો. પ્રભુ કહે છે કે, “અર્જુન, વડીલ ભાઈને સન્માન અપાય તેને મૃત્યુદંડ ન દેવાય.” અર્જુન ફરી પાછી પોતાની ‘ગાંડીવની નિંદા કરનારને આકરી સજા’ એ પ્રતિજ્ઞા દોહરાવે છે. પ્રભુ મરક-મરક હસતા કહે છે કે, “વડીલનું અપમાન કરવું – ન બોલવાના શબ્દો કહેવા તે તેના માટે મોત સમાન જ છે. તું યુધ્ધને બદલે તેવું કરી શકે છે.”

અર્જુન સહમત થયો. એક ભય ટળી ગયો. થોડીવાર પછી અર્જુનને પારાવાર પસ્તાવો થાય છે. “અરેરે! પિતા તુલ્ય મોટાભાઈને ન બોલવાના વેણ કહ્યા. ધર્મરાજ રુપ સત્યવાદી યુધિષ્ઠરનું અપમાન કર્યું. હવે હું જીવવાને લાયક નથી. હું ખૂબ કઠોર વચન બોલ્યો. મને કોઈ ન અટકાવો. હું આપધાત કરીશ.” અર્જુનનો મક્કમ નિર્ણય જોઈ સૌ ગભરાયા. ફરી શ્રીકૃષ્ણચંદ્ર મરક-મરક હસતા જણાવે છે કે, “હૃદયપૂર્વકનો પસ્તાવો-મોટું પ્રાયશ્ચિત એ ભલભલા પાપીને પણ તારે છે. તે શરીરથી અપમાન કર્યું છે તેથી તું તારી જાહેરમાં નિંદા કર તે આપધાત સમાન જ ગણાય.” અર્જુન ચોધાર આસુંએ જાહેરમાં પ્રસ્તાવો અને પોતાની નિંદા કરે છે. જગદગુરુ અજબ-ગજબની યુક્તિ બતાવે છે અને અર્જુનને નિમિત બનાવી અસંખ્ય અધર્મીઓનો-પાપીઓનો ખાત્મો કરી નાખ્યો.


॥ હરિ ૐ તત્સત્ જય ગુરુદત્ત ॥

~ગિરનાર સાધના આશ્રમ, જૂનાગઢ



Krishna Gandiv Ninda Arjun Mahabharat Pandav